નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ થઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આરોગ્ય વિભાગના અધિકારી ભાવેશ પટેલના જણાવ્યા મુજબ, બંને ગામમાં એક જ કેટરિંગ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનમાં છાશ અને રસ પીરસવામાં આવ્યા હતા, જેના કારણે લોકોની તબિયત બગડી હોવાનું મનાય છે.
આરોગ્ય વિભાગની ટીમે મટવાડ, સામાપોર, દાંડી અને કરાડી જેવા ગામોમાં રાત્રે 12 વાગ્યા સુધી ફરીને અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપી હતી. મોટાભાગના દર્દીઓને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

