એક કથાકાર છે : કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ. તે સુરત તથા વિદેશમાં રહે છે. તે ISKCON-International Society for Krishna Consciousness સાથે સંકળાયેલ હોય તેવું લાગે છે. આ કથાકાર વ્યાસપીઠ પરથી કહે છે : “સંવિધાનના આધારે જે બેઠાં છે એ આપણને સુખી કરશે ? તમારો દીકરો, તમારી દીકરી, 20 વરસ તમે એનું પાલન કરેલ છે. તમે એનું પોષણ કરેલ છે. પણ એ જાતે નિર્ણય કરીને ક્યાંક વિવાહ કરી લેને, તમે કાંઈ ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે ! આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂરખ હશે અવ્વલ નંબરના ! લોકો કહે છે કે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે ! સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ.”

થોડાં પ્રશ્નો : [1] શું આ બંધારણ સભાનું અપમાન નથી? બંધારણ સભામાં દર 10 લાખની વસ્તીએ એક એમ કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા, શું આ તેમનું અપમાન નથી? શું તેમને મૂર્ખ કહી શકાય? શું આ સભ્યોનું તથા લોકોનું અપમાન નથી? [2] બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર હતા, શું તેમને મૂરખ કહી શકાય? શું આ અપમાન નથી? [3] 20 વરસના યુવક-યુવતી જાતે નિર્ણય કરે તો આ કથાકારને પેટમાં કેમ દુ:થતું હશે? [4] ‘આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે !’ એવું તારણ કઈ રીતે કાઢી શકાય? [5] આ સંવિધાનના કારણે જ રાષ્ટ્રપતિ/ વડાપ્રધાન/ સુપ્રીમકોર્ટનો જન્મ થયો છે; શું તેમનું આ અપમાન નથી? [6] ‘સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ’ એમ કહેનાર બંધારણદ્રોહી કહેવાય કે નહીં? શું આ કથાકાર બંધારણસભા કરતાં મોટો છે? બાબાસાહેબ આંબેડકર કરતા મોટો છે? શું નેહરુ/ સરદાર કરતા મોટો છે? [7] જો આ કથાકાર ISKON સાથે જોડાયેલ હોય તો ISKCON સંસ્થા માટે શરમજનક નથી?

હા, આ કથાકારને અભિવ્યક્તિ સ્વાતંત્રય છે જ. પણ એનો અર્થ એ નથી કે તે અમર્યાદિત છે. આલોચનામાં પણ તર્ક હોવો જોઈએ. મનસ્વીપણું ન હોવું જોઇએ. નદીની મોકળાશ બે કાંઠા વચ્ચે જ શોભે !

Prevention of Insults to National Honour Act, 1971 કલમ-2 હેઠળ શબ્દોથી ભારતના બંધારણનું અપમાન કરે તો 3 વર્ષ સુધીની સજા થાય. ઉપરાંત, એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(v) હેઠળ છ મહિનાથી ઓછી નહીં અને 5 વર્ષ સુધીની સજાનો ગુનો બને છે. ઉપરાંત બંધારણના આર્ટિકલ-51A (a)નો ભંગ થાય છે.

જો સરકાર જીવતી હોય, ગુજરાતના લોકોમાં ચેતના હોય તો આ ચંદ્રગોવિંદદાસ જેલમાં હોવો જોઈએ ! શું પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરવો ન જોઇએ ?

BY: રમેશ સવાણી (Facebook account માથી)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here