રાજપીપળા: રાજપીપળા નજીક જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે ત્યારે કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના અને ભરૂચના ઝગડીયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી કરજણ ડેમની કેનાલો મારફતે મળતું હોય છે. આ ઉપરાંત રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકાના 100થી વધુ ગામમાં પીવાનું પાણી આપવામાં આવે છે.
કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ડેમમાં હાલ 363.85 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જળ સપાટી 108.63 મીટર પર છે.

