ભરૂચ: ભરૂચની ભોલાવ જીઆઇડીસીની ગટરોમાંથી માનવ અંગો મળવાની ચકચારી ઘટના બાદ હવે દહેજમાં મીઠાના અગરમાંથી માનવીના હાથનું હાડપિંજર મળી આવ્યું છે. મીઠાના અગરમાં પડયાં રહેવાના કારણે આખું શરીર ઓગળી ગયું હોવાથી માત્ર હાડકા બચ્યા હોવાની વિગતો સામે આવી છે. દહેજ પોલીસે હાથનો કબજો મેળવી તેને ફોરેન્સિક તપાસ માટે સુરત ખાતે મોકલ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં હાલ ચકચારી સચિન ચૌહાણ હત્યા કેસ ચર્ચાની એરણે છે. તેના નાનપણના મિત્ર શૈલેન્દ્રએ જ તેની હત્યા કર્યા બાદ આરી અને મીટ ચોપરથી શરીરના 9 ટુકડા કરી અલગ અલગ થેલીઓમાં બાંધીને ભોલાવ જીઆઇડીસીની ગટરોમાં નાખી દીધાં હતાં.
દહેજમાં પણ માનવ અંગો મળતાં દોડધામ મચી છે. દહેજ પીઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,હાડકાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યાં છે. આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલાં લોકોની માહિતી મેળવતાં એક વ્યકતિ ગુમ હોવાનું જણાયું છે તેથી વધુ તપાસ કરી રહયાં છે. દહેજ વિસ્તારમાં મીઠાના અગરમાંથી માનવ હાથ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દહેજ પોલીસે બિનવારસી હાથનો કબજો લઈ તરત જ તબીબી પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભરૂચમાં થોડા દિવસો પહેલા સચિન ચૌહાણની હત્યાનો કેસ બન્યો હતો. સચિન ચૌહાણના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે તેની હત્યા કરી લાશના 9 ટુકડા કરી નાખ્યા હતા. આરોપીએ માનવ અંગો ભોલાવ GIDCની ગટરમાં ફેંકી દીધા હતા.પોલીસે હાલમાં મળેલા માનવ અંગની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. સાથે જ તેના વાલી-વારસોની શોધખોળ પણ ચાલુ છે.પોલીસ આ હાથ કોનો છે,અને અહિયાં ક્યાંથી આવ્યો છે તે દિશામાં તપાસ કરી રહી છે. આ કેસ નવી મર્ડર મિસ્ટ્રી તરફ દોરી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

