ચીખલી: ચીખલી મહુવાના વહેવલમાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા ગણદેવીના સોનવાડીના 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા થતા પહેલા ટાંકલ સીએચસીમાં અને ત્યારબાદ નવસારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ગણદેવી તાલુકાના સોનવાડી પિસ્તાલીસ ગાળામાં રહેતો દેવાંગ ધીરૂભાઇ હળપતિ (ઉ.વ.આ. 19) અને મિત્ર તુષાર સુરેશ હળપતિ ગતરોજ રાત્રિના સમયે મહુવા તાલુકાના વહેવલમાં મિત્રના લગ્ન પ્રસંગમાં મિત્રની કેટીએમ ડયુટ બાઇક (નં. જીજે-05-પીએન-0487) લઈને જઇ રહ્યાં હતા. દરમિયાન નોગામા જલારામ ખમણ સામે ગણદેવાથી ટાંકલ તરફ જતા રોડ પર બાઇક સ્લીપ થઇ રોડની સાઇડે વૃક્ષ સાથે અથડાતા બાઇક પાછળ બેસેલ દેવાંગ હળપતિને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ટાંકલ સીએચસીમાં લઇ જવાયો હતો.

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બાઇક ચલાવનાર તુષારભાઇ સુરેશભાઇ હળપતિને ઇજા થતા સારવાર અર્થે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની નરેશભાઇ સોમાભાઈ હળપતિ (ઉ.વ. 51, રહે.સોનવાડી, પીપળા ફળિયા, તા.ગણદેવી)એ ફરિયાદ કરતા પોલીસે તુષાર હળપતિ વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એચ.એસ.પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here