વલસાડ: વલસાડ જિલ્લાની કોર્ટે પોક્સો એક્ટ હેઠળના પાંચ કેસમાં ચુકાદો આપ્યો છે. ઉમરગામ, વાપી અને ધરમપુરમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બે આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલો અને વલસાડ જિલ્લા પોલીસે એકત્રિત કરેલા પુરાવાઓના આધારે આ ચુકાદો આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર છેલ્લા 15 દિવસમાં વાપી અને ધરમપુર કોર્ટે આ સજાઓ ફટકારી છે. આ કેસમાં ભોગ બનનાર સગીરાઓને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. વાપી અને ઉમરગામમાં મોટી GIDC આવેલી હોવાથી અન્ય રાજ્યોમાંથી ઘણા શ્રમિકો આવે છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં કેસ ચલાવ્યો હતો. DGP અનિલ ત્રિપાઠીએ આરોપીઓને સજા અપાવવા માટે વિશેષ પ્રયાસો કર્યા હતા. તેમણે કેસની ઝીણવટભરી તપાસ કરી હતી.વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા હતા. સાક્ષીઓના નિવેદનો, મેડિકલ પુરાવાઓ અને FSL રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
વાપીની પોક્સો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ ટી.વી. આહુજા અને ધરમપુરની સ્પેશ્યલ કોર્ટના જજ એમ.એ. મિર્ઝાએ આ સજાઓ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસોમાં ઉમરગામના પોકસોના કુલ 2 કેસ, વાપીના ડુંગરાનો 1 પોકસોનો કેસ અને ધરમપુર તાલુકાના કુલ 2 કેસ મળી 5 કેસોમાં 3 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી જ્યારે ધરમપુરમાં 2 કેસમાં આરોપીઓને 20 વર્ષ સુધીની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે.

