સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળકાય લાઇબ્રેરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર થઈ ચૂકી છે. તેની ખાસિયત એ છે કે જો લાઇટ ચાલુ ન પણ કરવામાં આવે તો પણ કુદરતી પ્રકાશના આધારે વિદ્યાર્થીઓ સરળતાથી વાંચી શકે છે. ડિઝાઇન આવી રીતે બનાવવામાં આવી છે કે ચારેય બાજુથી સૂર્યપ્રકાશ અને પવન અંદર આવે છે. એટલું જ નહીં, પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. આરામથી 300 વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા છે અને લાઇબ્રેરીના અંદર 2.5 લાખ પુસ્તક રહેશે. થોડા જ દિવસોમાં આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આશરે 5 કરોડ રૂપિયાની ખર્ચે બનેલી આ આધુનિક લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે વિશાળ રીડિંગ રૂમ, સ્ટેક એરીયા, બે ક્લાસ રૂમ, બે કમ્પ્યુટર લેબ, ક્યુબિકલ્સ, સ્ટોર અને રેફરન્સ વિભાગ, લાઉન્જ એરીયા અને સેમિનાર હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. લાઇબ્રેરીમાં 250થી 300 વિદ્યાર્થીઓ એકસાથે વાંચન કરી શકશે. ખાસ વાત એ છે કે, નવી લાઇબ્રેરીમાં ઈ-લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ થશે, જેમાં 45 લાખ રૂપિયાના ઈ-રિસોર્સ સસ્ક્રિપ્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના દ્વારા વિદ્યાર્થી દેશ-વિદેશના સંશોધકોના રીસર્ચ કાર્ય વાંચી શકશે. જે વિદ્યાર્થી આ સ્રોતોને ડાઉનલોડ કરવા માંગતા હોય તે પોતાનાં ઈમેઇલ આઈડીથી લોગીન કરી આ માહિતી મેળવી શકશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીથી હાલ યુનિવર્સિટીના 7000 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે. લાઇબ્રેરીનું ઇન્ટિરિયર ‘ઇન્ટિગ્રેટેડ સ્પેસ’ના કન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવ્યું છે જેથી આખી ઈમારત વિશાળ અને ખુલ્લી જગ્યા જેવી સુવિધા આપે છે.
સંપૂર્ણ ઈમારતમાં પ્રકાશ અને હવાના પ્રવાહની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની નવી લાઇબ્રેરી તૈયાર છે. ઉદ્ઘાટન માટે અમુક મંત્રી અને મહેમાનોની તારીખ મળતી નથી તેથી હજી સુધી તેને શરૂ કરવામાં આવી નથી. જો કોઈની તારીખ ન મળે તો પોતે જ ઉદ્ઘાટન કરવાનું પડશે અને બીજો કોઈ વિકલ્પ નથી. તેમ છતાં તાતી ઉઠાવવાની જરૂર નથી કારણ કે હાલ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં બધા વિદ્યાર્થીઓ વ્યસ્ત છે. 15 જૂન પછી વિદ્યાર્થી નવી લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકશે. એવું તો નક્કી છે કે શૈક્ષણિક વર્ષ 2025-26થી નવી લાઇબ્રેરી તમામ વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ જશે. તેમ છતાં શક્યતા છે કે 10થી 15 દિવસમાં પણ શરૂ થઈ શકે.

