નવસારી: નવસારી જિલ્લામાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિભાગે ખેડૂતોને ઉભા પાકને હળવું અને વારંવાર પિયત આપવાની સલાહ આપી છે. ખેડૂતોએ વહેલી સવારે અને સાંજના સમયે જ પિયત આપવું જોઈએ.
Decision News ને મળેલી માહિતી અનુસાર જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા માટે પાકના અવશેષો, પોલીથીન અને માટીનું આચ્છાદન કરવાનું સૂચન કરાયું છે. ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.શાકભાજીના ખેતરમાં નિંદણ ન કરવા અને બપોરના સમયે ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવા જણાવાયું છે. પશુપાલકોને પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
પશુઓને છાયડામાં રાખવા અને પીવા માટે સ્વચ્છ, ઠંડું પાણી આપવાનું કહેવાયું છે. પશુઓના આહારમાં લીલું ઘાસ અને ખનિજ દ્રવ્ય યુક્ત ખોરાક આપવાની સલાહ છે. પશુઓને ઓછી ગરમીના સમયે જ ચરાવવા લઈ જવા જોઈએ. બપોરના સમયે દૂધાળા પશુઓને ચરાવવા કે ખોરાક આપવાની મનાઈ કરવામાં આવી છે.

