વાપી: વાપીના શહેરીજનોને સ્વચ્છ અને શુધ્ધ વાતાવરણ વચ્ચે ઓર્ગેનિક શાકભાજી મળી રહે તેવા ઉદેશ્ય સાથે વાપી-દમણ રોડ પર સરદાર પટેલ ફુટ એન્ડ વેજીટેબલ માર્કેટ 3 વર્ષ પહેલા કાર્યરત કરવામાં આવી હતી.દુકાનો અને સ્ટોલોની હરાજી કરવામાં આવી હતી. જેમાં નાના-મોટા વેપારીઓએ હરાજીમાં ભાગ લેતા પાલિકાએ દુકાનોની ફાળવણી પણ કરી દીધી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ સાથે વાપી બજાર શાકભાજી માર્કેટમાં ટ્રાફિક ન થાય તે માટે ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને નવી શાકભાજી માર્કેટમાં બેસવા તાકીદ કરાઇ હતી,પરંતુ આજે ત્રણ વર્ષ થવા છતાં પણ પાલિકાએ 2.44 કરોડના ખર્ચે તૈયાર કરેલી નવી વેજીટેબલ માર્કેટ બંધ અવસ્થામાં છે.અહી કોઇ વેપારીઓ આવી રહ્યા નથી.વાપી ટાઉનમાં ટ્રાફિક અને દબાણનો પ્રશ્ન હોવા છતાં પણ નાના વેપારીઓ અન્ય સ્થળે જઇ રહ્યા નથી.પરિણામે તંત્રનો ઉદેશ્ય પૂર્ણ થતો નથી. ચલા માર્કેટમાં ગ્રાહકો પણ જવા માટે તૈયાર નથી.વેપારીઓએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વાપી શહેરના શાકભાજીના હોલસેલ વેપારીઓ વાયબ્રન્ટ શાકભાજી માર્કેટમાં સ્થળાંતર થયા છે. અહી વેપારીઓને ઘરાકી પણ સારી મળી છે.હાઇવેની સીધી કનેકટિવિટી છે. પાર્કિંગની પણ વ્યવસ્થા છે.જેથી નાના વેપારીઓ પણ અહી કાર્યરત થયા છે. વાપી બજાર સ્થિત શાકભાજી માર્કેટમાં ફેરિયાઓ અને પાથરણાવાળાને ચલામાં ઘરાકી નહી મળે તે માટે અહી જ રહે છે.પહેલેથી જ પાલિકાની નવી શાકભાજી માર્કેટમાં ગણતરીના વેપારીઓએ દુકાનો લીધી હતી. અન્ય રાજકીય નેતાઓ,બિલ્ડરો, અન્ય વર્ગના લોકોએ દુકાનો-સ્ટોલ હરાજીમાં લીધા હતાં. જેથી હાલ પાલિકાએ તૈયાર કરેલુ સરદાર પટેલ ફુટ એન્ડ વેજીટેબલ માર્કેટ બંધ અવસ્થામાં છે.
વાપી મહાનગરપાલિકાના અધિકારીના મતે વાપી-દમણ રોડ પર વર્ષ 2018માં નવી વેજીટેબલ શાકભાજી માર્કેટ તૈયાર થઇ ચુકી હતી, પરંતુ મંજૂરીના અભાવે હરાજીની પ્રક્રિયા 2022-23માં થઇ હતી.વર્ષ 2018થી નવી શાકભાજી માર્કેટ તૈયાર થઇ ચુકી હોવા છતાં વર્ષ 2025 સુધી કોઇ વેપારીઓ આવી રહ્યા નથી.વેપારીઓના મતે શરૂઆતમાં વેપારીઓમાં ઉત્સાહ હતો,પરંતુ ત્યારબાદ ઘરાકી ન મળશે તેના ડરથી અહીં કોઇ આવી રહ્યું નથી.હવે વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ આ મામલે યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. 2.44 કરોડનો ખર્ચ કરવા છતાં પણ શાકભાજી માર્કેટ બંધ છે.

