માંડવી: તાજેતરમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ અનંત પટેલ પર નિવેદન આપ્યું હતું. જે બાદ આજે ફરી તેઓ ચૈતર વસાવા પર ફરી વરસવા જતાં માંડવી ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ભાંગરો વાટ્યો છે.
કુંવરજી હળપતિએ ભૂલથી ભાજપને આદિવાસી વિરોધી ગણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આદિવાસીના હિતમાં BJP એકપણ નિર્ણય લેવાની નથી. આ નિવેદનને લઈને આદિવાસી સમાજમાં ખાસ્સો આક્રોશ ફેલાયો છે વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપના મંત્રીની જીબ લપસી અને તેઓ સાચું બોલી ગયા કે આદિવાસીના હિતમાં BJP એકપણ નિર્ણય લેવાની નથી
માંડવીના સંમેલનમા તેમણે વધુ કહ્યું કે વિધાનસભા ગૃહમાં ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસીઓ માટે કશું જ નથી બોલતા. ફ્રી સીફ કાર્ડ બદલી નાંખ્યો તેવા આક્ષેપો કરવામાં આવ્યા તે તદ્દન ખોટા છે. આજે પણ ફ્રી સીફ કાર્ડ ચાલુ જ છે.
અનંત પટેલે જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે કુંવરજી હળપતિની ડાગરી છટકી છે. વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજનાં પ્રશ્નોને વાચા આપવાનું હતું ત્યારે કંઈ બોલતા નથી. અમે કોઈની પાસેથી કોઈ ટકાવારી લીધી નથી. પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ લઈને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. તમે સાબિત કરી શકતા હોય તો અમારા પર તપાસ કરી શકો છો. તમારે તમારા કપડા તપાસવાની ખૂબ જરૂર છે.
ચૈતર વસાવાએ કહ્યું કે મંત્રી કુંવરજી હળપતિ સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ એમની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરે. અને જો પુરાવા નહી આપે તો માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. કુંવરજી હળપતિની વીર એન્ટરપ્રાઈઝમાં મોટું કૌભાંડ છે. તપાસ થાય તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ સામે આવે એમ છે.

