સુરત: સુરતના વરાછામાં દંપતીના સજોડે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. વ્યાજખોર સહિત ત્રણના ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધા બાદ પત્ની જોઈ જતા પતિના હાથમાંથી ઝેરી દવા આંચકી પત્નીએ પણ પી લીધી હતી. હાલ તો પતિની હાલત ગંભીર છે, જ્યારે પત્નીની સ્થિતિ સામાન્ય છે. જોકે સંતાનો કહે છે કે, તમને બંન્નેને કઈ થયું તો અમે પણ મારી જઈશું. આ સાથે વરાછા પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે. ભાવનગર જિલ્લાના વતની અને હાલ વરાછા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ (ઉં.વ.50) ટેમ્પો ચલાવી પત્નિ રીટાબેન (ઉં.વ.52) અને ત્રણ સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન અરવિંદભાઈએ 5 એપ્રિલને શનિવારની રાતે ઘરે પત્નીની નજર સામે ઝેરી દવા પી લીધી હતી, જેથી પત્નીએ પણ પતિના હાથમાંથી ઝેરી દવા આંચકીને પી લીધી હતી.

દંપતીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારને થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરાઈ હતી.વરાછા પોલીસે આ મામલે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે રીટાબેને પણ પરિવારની જૂની પ્રોપર્ટીના રૂપિયાની લેતી-દેતી બાબતે વરાછા પોલીસ મથકમાં કરેલી અરજીને અનુસંધાને વરાછા પોલીસના PSI દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તો પતિ અરવિંદભાઈની હાલત નાજુક છે અને સ્મીમેર હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે પત્નીની સ્થિતિ હાલ સામાન્ય થઈ છે.

Decision News ને પત્ની રીટાબેને જણાવ્યું હતું કે, આ પગલું અમે વ્યાજખોરોના ત્રાસથી ભરી લીધું છે. નાના વરાછા ખાતે રહેતા વ્યાજખોર ધાક-ધમકીઓ આપતા હતા. પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરના વિરુદ્ધ અરજી પણ આપી હતી. આ વ્યાજખોરોએ ધમકી આપી હતી કે, આઠ દિવસની અંદર વ્યાજ અને મારા રૂપિયા જોઈએ. નહીં આપ તો તું ખોવાઈ જઈશ અને તને ખબર પણ નહીં.રીટાબેને વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ લાખ રૂપિયા લીધા હતા, તેનું એ દર મહિને વ્યાજ લઈ જતો હતો.તેની પાસે આ મામલાની ત્રણ ડાયરીઓ પણ છે અને તેમાં સહી પણ કરેલી છે. પોલીસ સ્ટેશનમાં મેં જ્યારે કહ્યું કે, ડાયરીઓ લઈ આવો ત્યારે તેને એવું કહ્યું હતું કે, ડાયરી ખોવાઈ ગઈ છે અને પેજ ફાટી ગયા છે. તેનો મતલબ એવો થયો કે, આ પુરાવાનો તેણે નાશ કરી દીધો છે અને તે હવે કંઈ બતાવવા માંગતો નથી. અમારી પાસે અત્યાર સુધીમાં દસ લાખ રૂપિયા લઈ ચૂક્યો છે અને હજુ આઠ વર્ષનું વ્યાજ અમારી પાસેથી લેવું છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ રૂપિયા માટે અમારુ પર માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. કોઈપણ જગ્યાએ મળે ત્યાં તે રૂપિયાની માગણી કરી રહ્યો છે. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને પીઆઇ ગોજિયા દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા કે આ મેટર તમે પતાવી દો. જોકે, આ વ્યાજખોર માન્યો ન હતો અને અમારી ઉપર કેસ કરવાની જ વાત કરી રહ્યો હતો. ત્યારબાદ અમને ધાક-ધમકીઓ આપીને ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યાજખોરોના ત્રાસથી અમે આ પગલું ભર્યું છે. મારા પતિની હાલત ખૂબ જ ખરાબ છે અને મારી સ્થિતિ થોડી સામાન્ય થઈ છે. મારા બંને દીકરાઓ પણ એ જ કહી રહ્યા છે કે, જો મમ્મી-પપ્પા તમને બંનેને કંઈ થયું તો અમે બંને પણ મરી જઈશું. અમારે પણ નથી રહેવું. જો તમે છો છતાં પણ આ લોકો હેરાન કરે છે. જો તમે નહીં હોય તો આ લોકો અમને જ હેરાન કરવાના છે અને અમને શાંતિથી નહીં જીવવા દે.

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસમાં તો પીઆઇ ગોજિયા દ્વારા અમને વ્યવસ્થિત જ જવાબ આપવામાં આવ્યો હતો. જોકે, પીએસઆઇ દ્વારા કહેવામાં આવતું હતું કે, આવું ન કરાય અને તમારા ઉપર ખોટો કેસ થશે. ત્યારે પણ મેં કહ્યું હતું કે, અમે સાચા છીએ તો અમારી ઉપર શા માટે કેસ થઈ શકે. તમે અમને આવું કઈ રીતે કહી શકો. જેથી હું અને મારા પતિ બંને પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારબાદ અમે બંને ડરી ગયા હતા અને ઘરે આવીને મારા પતિએ ઝેરી દવા પી લીધી હતી અને તેમને જોઈને મેં તેમના હાથમાંથી ઝેરી દવા આચકી પી લીધી હતી.સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર દંપતીના પુત્રએ જણાવ્યું હતું કે, પરિવારની જૂની પ્રોપર્ટીને લઈને આ વ્યાજખોર, મોટા પપ્પા અને તેનો દીકરો પણ માનસિક ત્રાસ આપતા હતા. પ્રોપર્ટીને લઈને આ ત્રણેય એક થઈ ગયા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. માત્ર ત્રણ લાખ રૂપિયા જ આપવાના બાકી હતા અને હવે તેમને આ પ્રોપર્ટી પચાવી પાડવી હોવાથી આ તમામ કારસ્તાન કરવામાં આવ્યા છે. વરાછા પોલીસ દ્વારા આ મામલે અમારા નિવેદન પણ લઈ લેવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારી પણ આ બાબતે તપાસ કરી ગયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here