ગૂજરાત: ગાંધીવાદી અને કર્મશીલ પ્રકાશ ન. શાહ કહે છે કે, “કૉંગ્રેસ પોતે નવજીવન તરફ જવા માગતી હોય તો તેણે માત્ર ભાવનગરના અધિવેશનને યાદ ન કરતાં, 1969માંથી કોંગ્રેસથી છૂટ્ટાં પડીને જે લોકોએ અધિવેશન કર્યું હતું તેને પણ યાદ રાખવું જોઈએ અને એ તમામ નેતાઓની સહિયારી વિચારધારાને, સંયુક્ત વારસો આગળ લઈને ચાલવું જોઈએ.” “આ સંયુક્ત વારસામાં ગાંધી, નહેરુ અને પટેલ સાથે જયપ્રકાશ નારાયણ, કૃપલાણી અને લોહિયાની વિચારધારા પણ સમાવિષ્ટ છે.”
પીઢ કાર્યકર્તા બાલુભાઈ પટેલ કહે છે, “રાહુલ ગાંધીએ જેની વાત કરી અને જે દિશા કૉંગ્રેસે પકડી છે તેને પકડી રાખવાની જરૂર છે. કદાચ એ દિશામાં શાસન મોડું મળે તો વાંધો નહીં.”
પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા કહે છે, “ગુજરાતની પ્રજા હંમેશાં લાગણી, લાલચ અને ભય- એ ત્રણેય બાબતોમાં સંવેદનશીલ રહી છે. હાલની ભાજપની સરકાર પણ અતિશય નિમ્ન ધોરણોએ પહોંચી ગઈ છે. એવું લાગે છે કે તેમને પ્રજામાનસની કંઈ પડી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પોતાનાં હક્કો કે ફરજો જાણતા નથી એટલા ખરાબ સ્તરે આપણું રાજકીય સ્તર ચાલ્યું ગયું છે.”
તેઓ કહે છે, “ભય અને લાલચના માહોલમાં ગુજરાતની પ્રજાનું ચિત્તભ્રમ થઈ ચૂક્યું છે. રાજકીય પક્ષોએ ન માત્ર એ વાત સ્વીકારવી પડશે, પરંતુ લોકોને ખુલ્લેઆમ કહેવું પડશે કે તમારું ચિત્તભ્રમ થઈ ગયું છે. આ કામ લાંબાગાળાનું છે પરંતુ એ કરવું પડશે. જો આપણે ખરેખર લોકશાહીને બચાવવા માગતા હોઈએ તો કોઈપણ રાજકીય નફા નુકસાનનો ડર રાખ્યા વગર પ્રજાને ઢંઢોળવી પડશે, જગાડવાનો પ્રયત્ન કરવો પડશે. વાત બહુ આગળ વધી ચૂકી છે.”
BBC ના પ્રકાશિત અહેવાલમાથી..

