દાહોદ: યુવા હૈયા પ્રેમમાં સાથે જીવવા અને મરવાની કસમ ખાઈ લે છે અને આ પ્રેમીઓને ક્યારેક આ બંધનોને કારણે જો સાથે જીવવાનું શક્ય ન બને એવું લાગે ત્યારે તેમની અધૂરી પ્રેમ કહાનીનો કરૂણ અંત આવે છે. આવો જ એક બનાવ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીખુંટા ગામમાંથી સામે આવ્યો છે.
ઝાલોદ તાલુકાના માંડલીખુંટા ગામમાં પ્રેમી પંખીડાએ ખેતરમાં ઝાડ પર ઓઢણી લટકાવી બે છેડા ગળામાં બાંધીને મોતને વ્હાલું કર્યું છે. Decision news ને મળેલી જાણકારી મુજબ માંડલીખુંટા ગામના અલગ-અલગ ફળિયામાં રહેતા પ્રભા કમોળ (19) અને મિતેશ મકવાણા (21)એ ગઈકાલે સવારે 8 વાગ્યાની આસપાસ ખેતરમાં લીમડાના ઝાડ સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બાબતની જાણ થતાં ગ્રામજનો અને મૃતકના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા. જે બાદ જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં બન્નેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રાથમિક તપાસમાં મૃતક મિતેશનું અન્ય યુવતી સાથે સગપણ નક્કી થઈ ગયું હતુ અને થોડા દિવસો બાદ લગ્ન લેવાના હતા. આથી મિતેશ અને પ્રભાએ એકસાથે રહેવાનો નિર્ણય કર્યો હશે. વહેલી સવારે પ્રેમી યુગલ ઘરેથી ક્યાંક જતું રહ્યું હતુ, જેથી બન્નેના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ખેતરમાં ઝાડ પર લટકતા મળી આવ્યા હતા.

