અમદાવાદ: ગાંધીજીએ દાંડીકૂચ જ્યાંથી કરી હતી તે સાબરમતી નદીના કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગી અગ્રણીઓની તમામ મૂવમેન્ટ પર ગુજરાત આઇબીની નજર ચાલુ થઈ ગઈ છે. ગૃપ્તચર એજન્સીના સિનિયર અધિકારીઓ પોતાની ટીમના અધિકારી-કર્મચારીઓને જવાબદારી સોંપી દીધી છે.
8 અને 9મી એપ્રિલે બે દિવસના આ અધિવેશનમાં કોંગ્રેસના 3000થી વધુ નેતા અને જુદી જુદી જવાબદારી નિભાવતા સિનિયર કાર્યકરો ઉપસ્થિત રહેશે. ત્યારે કોંગી અગ્રણીઓની તમામ મૂવમેન્ટ પર ગુજરાત આઇબીની નજર રહેશે. ભૂતકાળની ઘણી બધી ગતિવિધિઓ ગુજરાત આઇબીની જાણ બહાર જ થઇ ગઇ હતી જેને પગલે અધિકારીઓ પોતાની ટીમને આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા ટકોર કરવામાં આવી છે.
કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાઓની ટીમ અમદાવાદમાં બે દિવસ મનોમંથન કરશે. જે પરિણામ આવી રહ્યા છે તેના કારણો શોધવામાં આવશે અને તેના સમાધાન માટે પ્રયાસ કરવામાં આવશે. હવે આ મહાઅધિવેશનમાં નેતાઓ અને ડેલિગેટ્સ શું મનોમંથન કરશે તેની ઝીણામાં ઝીણી વિગતો આઇબીની ટીમ એકત્રિત કરશે. આ ઉપરાંત અધિવેશનમાં કોઇ મહત્ત્વના નિર્ણય લેવાય છે કેમ તેના ઉપર પણ ફોકસ રખાશે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થઇ રહ્યું છે. જેને લઇને કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પાર્ટીઓમાં આ બાબતને લઇને ભારે જિજ્ઞાશા છે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં આઇબીની કામગીરી નબળી રહી છે. પાટીદાર આંદોલનથી લઇને જુદા જુદા સરકારી કર્મચારી સંગઠનોના વિરોધનો અણસાર પણ આઇબીને આવ્યો ન હતો જેને લઇને સરકારને તકલીફ થઇ હતી. કોંગ્રેસ અધિવેશનની કોઇ બાબતો આઇબીથી અજાણ રહે નહીં તે માટે આઇબીની ટીમ કામે લાગી ગઇ છે.

