ધરમપુર: મોટી ઢોલડુંગરી-ગુંદી ફળિયા ખાતે બામસેફ અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 6 એપ્રિલ 2025ના રોજ રાત્રે 8 વાગ્યે ડેપ્યુટી સરપંચના નિવાસસ્થાને યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર કાર્યક્રમમાં બામસેફના રાષ્ટ્રીય માર્ગદર્શક પ્રમુખ આર આર પટેલ અને રાષ્ટ્રીય મહાસચિવ રાકેશભાઈ ગરાસિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ અને રાષ્ટ્રીય મહિલા જાગૃતિ મંચના સંયોજક હંસાબહેન પટેલે પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી.

બેઠકમાં વક્તાઓએ સમાજની વર્તમાન પરિસ્થિતિ અને ભારતીય લોકતંત્રમાં નાગરિકોની સ્થિતિ વિશે ચર્ચા કરી. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને સામાજિક જાગૃતિમાં મહિલાઓની ભાગીદારીની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો. વક્તાઓએ ખાનગીકરણથી આવનારી પેઢી પર થનારી અસરો વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમના અંતે, 14 એપ્રિલ 2025ના રોજ સાંજે 7 વાગ્યે નાની ઢોલડુંગરી, ડુંગરી ખાતે યોજાનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.