વાપી: વાપીના કરવડ વિસ્તારમાં ફરીથી ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બની હતી. બનાવને લઇ આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેની જાણ થતા 11 ફાયરની ટીમોએ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર વાપી છીરી, બલીઠા, ડુંગરા, ડુંગરી ફળિયા સહિતના સ્થળોએ કોઇપણ સત્તાધીશ પાસેથી લાયસન્સ મેળવ્યા વગર લોકો ભંગારનો ધંધો કરી રહ્યા છે. આ ભંગારમાં પ્લાસ્ટિકની સાથે સાથે કેમિકલ પણ સામેલ હોય છે. જેને લઇ જ્યારે પણ આગ લાગે તો તે વિશાળ બની જાય છે. વાપીમાં અવારનવાર આગની ઘટનાને લઇ તંત્ર દ્વારા સેકડો ભંગારીયાને નોટિસ આપી આ ધંધો બંધ કરવા જણાવાયું હતું.
તે છતાં તેમને કોઇ ફરક પડતું નથી તેમ લાગે છે. રવિવારે પણ વાપીના કરવડ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. જેની જાણ ફાયર વિભાગને કરતા 11થી વધુ ફાયરનીટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

            
		








