દાદરા નગર હવેલી: દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગની જાન લઈને જતી લકઝરી બસ દુર્ઘટનાનો ભોગ બની છે. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી વખતે દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં કુલ 37થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે સબ જિલ્લા હોસ્પિટલ ખાનવેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલોમાંથી 14 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

