સુબિર: સુબિર તાલુકાના લવચાલી અને કસાડબારી ખાતે વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહત્વના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તાઓનું નિર્માણ પંચાયત, માર્ગ અને મકાન વિભાગના SMGSY તેમજ કિશાન પથ યોજના અંતર્ગત કરવામાં આવશે.

Decision News ને મળેલી માહિતી અનુસાર સુબિર તાલુકામાં કુલ સાત રસ્તાઓનું નિર્માણ થશે. આમાં લવચાલી ઘાણા રોડ માટે 128 લાખ, લવચાલી વી.એ.રોડ માટે 40 લાખ, સુબીર શિવબારા શેપુઆંબા વારસા રોડ માટે 300 લાખ, કસાડબારી હાડોળ રોડ માટે 140 લાખ, મહાલ વી.એ રોડ માટે 39 લાખ, લહાન કડમાળ વી.એ રોડ માટે 37 લાખ અને ઇસખંડી વી.એ રોડ માટે રૂ.12.80 લાખનો ખર્ચ થશે.

વિજયભાઈ પટેલે જણાવ્યું કે, આ રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે ઇજારદારોને ચોમાસા પહેલા રસ્તાઓનું કામ પૂર્ણ કરવાની સૂચના આપી છે. ડાંગ જિલ્લાના 311 ગામમાં શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સાથે સારા રસ્તાઓ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇન, બાંધકામ સમિતિ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન, ભાજપા મહામંત્રી રાજુભાઈ ગામિત સહિત અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.