નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરતથી મોપેડ બાઈક પર ત્રણ મિત્રો સરૈયા ગામના ચેકડેમમાં ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન સુરતમાં રહેતો 21 વર્ષીય રાજ નાયકા નામનો યુવક ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર યુવક પાણીમાં ડૂબી જતાં તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળી સ્થાનિક તરવૈયાઓ તરત જ મદદે દોડી આવ્યાં હતા. તેમણે પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના ઉનાળામાં નદી, તળાવ કે ચેકડેમમાં ન્હાવા જતા યુવાનો અને બાળકો માટે ચેતવણીરૂપ છે. આવા સ્થળોએ નાહવા જતી વખતે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.

