ઉનાઈ: દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધિ ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટની બેઠકમાં નાટકીય ઘટનાક્રમ સર્જાયો હોય તેમ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે પ્રાંત અધિકારી સમક્ષ જમીન પર બેસીને અનોખો વિરોધ નોંધાવવાની નોબત આવી ગઈ છે. કેમ ?
Decision news ને મળેલી જાણકારી મુજબ વાત એમ બની કે ઉનાઈ મંદિર ટ્રસ્ટમાં ધારાસભ્ય અને ઉનાઈ તથા ખંભાલિયા ગામના સરપંચનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓના આક્ષેપો મુજબ, ટ્રસ્ટ દ્વારા તેમની અવગણના કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા લાખો રૂપિયાના ખર્ચ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. મંદિરના ઘુમ્મટ પર કબૂતરોની ગંદગી રોકવા માટે લાખો રૂપિયાના ખર્ચે જાળી મુકવામાં આવી છે. પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. ઉનાઈ મંદિરની બાજુમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિરનું એક વર્ષ પહેલાં મુખ્યંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું હતું. આ મંદિર દક્ષિણ ગુજરાતનું એકમાત્ર મુછવાળા રામ લક્ષ્મણનું મંદિર છે.
ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી છે કે જ્યાં સુધી રામજી મંદિરનું નિર્માણકાર્ય શરૂ નહી થાય, ત્યાં સુધી કોઈ મિટિંગમાં ભાગ લેશે નહીં. બન્ને ગામના સરપંચોએ પણ આરોપ મુક્યો છે કે ટ્રસ્ટના કેટલાક માનીતા સભ્યો મનસ્વી નિર્ણયો લે છે. સ્થાનિક લોકોમાં અસંતોષ ન વધે તે માટે રામજી મંદિરનું નિર્માણકાર્ય વહેલી તકે શરૂ કરવું જરૂરી બની ગયું છે.
વધુમાં કહ્યું કે એક વર્ષ પહેલાં રામજી મંદિરનું મુખ્યંત્રીના દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હાલમાં પણ રામજી મંદિરનું કામ ચાલુ થયું નથી. 6 તારીખે રામનવમી છે. ટ્રસ્ટી મંડળની મીટીંગ હતી જેનો અમે વિરોધ કર્યો છે. રામજી મંદિર ન બને ત્યાં સુધી મિટિંગ થશે નહીં. તેમજ ટ્રસ્ટમાં અનેક નિર્ણયો લેવામાં આવે છે. જેમાં એમને કોઈપણ પ્રકારે વિશ્વાસમાં લેવામાં આવતા નથી. મંદિર ટ્રસ્ટ દ્વારા ખોટા ખર્ચાઓ કરવાને કારણે મંદિર ટ્રસ્ટને મોટું નુક્સાન થઈ રહ્યું છે.
આજ મુદ્દે વાંસદના ખંભાલિયા ગામના સરપંચ અનિલભાઈ પટેલ જણાવે છે કે ઘણાં સમયથી મંદિર ટ્રસ્ટમાં મેં લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરી છે તેમ છતાં મારી રજૂઆત અધિકારીઓ તેમજ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો કોઈ પણ રજૂઆત સાંભળતા નથી. જેને લઈ અગાઉ મેં ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપવાની વાત કરી છે. જો રામજી મંદિર વહેલી તકે નિર્માણ ન કરે તો હું ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દઈશ.

