નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાણી કચ્છ સુધી પહોંચી ગયાં છે પણ ડેમની આસપાસ આવેલાં ગામડાઓમાં હજી પણ પાણીની તંગી જોવા મળે છે. ડેમથી 15 કિમી દૂર આવેલાં ચાપટ ગામના ચાપટ ફળિયાના 250થી વધારે લોકોને પીવાના તથા રોજીંદા વપરાશના પાણી માટે રોજ 9 કિમીની પદયાત્રા કરવી પડે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ ફળિયું વિકાસથી જોજનો દૂર હોવાથી અહીં માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ફળિયામાં જવાનો પાકો રસ્તો જ નથી ત્યાં પાણી માટેની પાઇપલાઇનની કલ્પના મુશ્કેલ છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પાણીની જરૂરિયાત વધી છે. આવા સંજોગોમાં ચાપટ ફળિયાના પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માથે બેડા લઇને ફળિયાથી નર્મદા નદી સુધી જાય છે.

આ એક ફેરો તેમને 3 કિમીનો પડે છે. દિવસના 3 ફેરા મારવા પડતાં હોવાથી તેમને રોજ 9 કિમીની પદયાત્રા કરવી પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ હાડમારી ભર્યું જીવન વ્યતિત કરી રહયાં છે પણ આજદિન સુધી કોઇ અધિકારી અહીં ફરકયાં સુદ્ધા નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here