સોનગઢ: સોનગઢ તાલુકા પંચાયતના હાલ બંધ પડેલાં જુના મકાનને વિદ્યાર્થી ભાઈ બહેનો માટે લાઈબ્રેરી બનાવવા માટે આપવાની માંગ ટોકરવા બેઠકના તાલુકા પંચાયત સભ્ય ઊર્મિલા બહેન ગામીત દ્વારા મુકવામાં આવી હતી.સોનગઢ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાજેતરમાં યોજાઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ સભામાં તાલુકા પંચાયતના જુના મકાનની જમીન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ને ફાળવણી માટે ચર્ચા કરવામાં આવી હતી.જો કે આ બાબતે તાલુકા સભ્ય ઊર્મિલા બહેન ગામીતે વિરોધ નોંધાવતા કહ્યું કે બાળ વિકાસ યોજનાની બંને કચેરી હાલ જુદા જુદા સ્થળે કાર્યરત જ છે જેથી તેમને આ મકાન અને જગ્યા ફાળવવા મારો વિરોધ છે. તેમની માંગ ને અન્ય પણ કેટલાંક સભ્યો એ ટેકો આપ્યો હતો અને પંચાયત કચેરીનું મકાન બાળ વિકાસ કચેરી ને આપવા વિરોધ કર્યો હતો.

સભામાં તેમણે માંગ મૂકી હતી કે સોનગઢ જેવા આદિવાસી વિસ્તારમાં પણ હવે વિદ્યાર્થીઓ માં શિક્ષણની ભુખ ઉઘડી છે અને તેઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી રહ્યાં છે. જો કે તાલુકા મથકે આવા વિદ્યાર્થી ભાઈ બહેનોને માર્ગદર્શન મળી રહે અને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો સરળતા થી ઉપલબ્ધ બને એવી એક લાઈબ્રેરી ની તાતી જરૂરિયાત છે.જૂનું તાલુકા પંચાયત ભવન તમામ કચેરીઓ ની નજીક અને ગામની મધ્યમાં આવેલ છે જેથી અહીં આવી કોઈ લાઈબ્રેરી કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન મળી તે માટે એક સેન્ટર અહીં શરૂ કરવામાં આવે તો સેકડો વિદ્યાર્થી ભાઈ બહેનો તેનો લાભ લઈ શકે તેમ છે. આમ હાલ પૂરતું તાલુકા પંચાયત જુના ભવનની જગ્યાની ફાળવણી અટકી ગઈ છે ત્યારે ભવન ને ફરી ઝડપ થી ખોલી લોકો અને યુવાઓ ને ઉપયોગી બને એ દિશામાં કામ થાય એવી માંગ પણ ઉઠવા પામી હતી.