અમદાવાદ: એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરતી એક આદિવાસી વિદ્યાર્થિનીએ આપઘાત કરીને પોતાની જીવનલીલા સંકેલી લીધાનો બનાવ બહાર આવ્યો છે. આદિવાસી વિદ્યાર્થિની MBBSનો અભ્યાસ કરતી હતી. સૌથી પહેલાં હોસ્ટેલમાં રૂમ પાર્ટનર રૂમ પર આવ્યા ત્યારે તેમણે આ વિદ્યાર્થિનીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ અરવલ્લીના બાયડની 21 વર્ષીય સુશીલા રમેશભાઇ વસાવા નામની વિદ્યાર્થિની એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નં. 424માં રહી અભ્યાસ કરતી હતી તેણે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. રૂમ પાર્ટનર રાત્રે હોસ્ટેલના રૂમ પર આવ્યા ત્યારે તેમણે રૂમનો દરવાજો ખોલતા સુશીલા લટકતી હાલતમાં મળી આવી હતી. આપઘાત મામલે પોલીસને જાણ કરાતા એલિસબ્રિજ પોલીસે અકસ્માત મોત નોંધ હાલમાં તો કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સુશીલા વસાવાએ વર્ષ 2023-24ના વર્ષમાં ગવર્નમેન્ટ ક્વોટામાં એડમિશન લીધું હતું. હાલ તે MBBSનો અભ્યાસ કરતી હતી. મેડિકલ કોલેજ દ્વારા મેન્ટર મેન્ટી પ્રોગ્રામ અંતર્ગત મેન્ટર તરીકે ટીચિંગ સ્ટાફ પણ ફાળવ્યો હતો. દર બે ત્રણ માસે સ્ટુડન્સની મેન્ટર સાથે મીટિંગ થતી હોય છે. ફેબ્રુઆરી માસમાં સુશીલા સાથે સામાન્ય મીટિંગ થઇ હતી, જોકે તેને કોઈ મૂંઝવણ કે પ્રેસર હોવાનું તે સમયે સામે આવ્યું નહોતુ. જેથી પોલીસ હવે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસમાં લાગી છે.

