ભરૂચ: વાલિયા તાલુકાના ઉમરગામની પ્રાથમિક શાળામાં GMDC દ્વારા આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ ઠરાવ કરીને લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. પ્રાંત અધિકારી કે.વી. ગામીત, GMDCના બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત, લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ સહિત અનેક અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ સભામાં ગ્રામજનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગ્રામજનોએ માંગ કરી છે કે આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ન કરવામાં આવે. તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારની આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સ્થિતિને નુકસાન થશે. સાથે જ આદિવાસી અસ્મિતા અને પરંપરાગત સંસ્કૃતિ પર પણ અસર થશે.
યુવા આગેવાન અરુણ વસાવાએ કટાક્ષ કરતા કહ્યું કે, “અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બાંધ્યો?” રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાંસદિયાએ GMDCને લોલીપોપ આપવાનો આરોપ મૂક્યો છે. તેમણે જમીન સંપાદનના પ્રયાસ સામે હાઇકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. સભા દરમિયાન કંપની દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો કે કંપની તેમનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.











