નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ રમણભાઈ વસાવા રૂ. 60,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપાયા છે. આ ઘટના 04/04/2025ના રોજ ગરૂડેશ્વર પોલીસ લાઈનની બહાર રસ્તા પર બની હતી. ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. રાઠવા અને તેમની ટીમે આ સફળ છટકું ગોઠવી આરોપીને પકડ્યો હતો.
ઘટનાની વિગત
ફરિયાદી એક જાગૃત નાગરિકે ACB ને જાણ કરી હતી કે, તેમના પુત્ર વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. આ ગુનાના સંદર્ભે 19/03/2025ના રોજ ફરિયાદી અને તેમનો પુત્ર ઘરે હાજર હતા ત્યારે પોલીસે તેમના પુત્રની અટક કરી હતી. આ દરમિયાન પોલીસે ફરિયાદીના પુત્રને માર માર્યો હતો અને ફરિયાદીને ધમકી આપી હતી કે, “પૈસા આપશો તો ઠીક, નહીં તો તમારા પુત્ર પર બીજો ગુનો દાખલ કરીશું.” આ ઉપરાંત, પોલીસે ફરિયાદીની એક નાવડી અને બાઇક પણ કબજે કરી હતી.
આરોપી અશ્વિનભાઈ વસાવાએ ફરિયાદી પાસેથી પહેલાં તા. 19/03/2025 ના રોજ રૂ. 2,00,000ની લાંચ લીધી હતી, જેના પુરાવા ફરિયાદીએ પોતાના મોબાઇલમાં નોટોના ફોટા પાડીને સાચવ્યા હતા. ત્યારબાદ આરોપીએ વધુ રૂ. 70,000 ની માંગણી કરી, જે રકઝક બાદ રૂ. 60,000 માં નક્કી થઈ. આ વાતચીતનું રેકોર્ડિંગ પણ ફરિયાદીએ પોતાના મોબાઇલમાં કર્યું હતું.
ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતાં ACB ને ફરિયાદ કરી. તેના આધારે 04/04/2025 ના રોજ ACB એ છટકું ગોઠવ્યું. આરોપીએ ગરૂડેશ્વર પોલીસ લાઈનના ગેટ પાસે ફરિયાદી પાસેથી રૂ. 60,000 સ્વીકાર્યા અને પોતાના રૂમમાં બેગમાં મૂક્યા. આ દરમિયાન ACB ની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો. આરોપીએ પોતાના પદનો દુરુપયોગ કરી ગેરવર્તન આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી શ્રી કે.એન. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, ACB છોટાઉદેપુર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન શ્રી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, ACB વડોદરા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.

