ભરૂચ: જંબુસર તાલુકાના મગણાદ ગામે ઢાઢર નદી કિનારે એક ગંભીર ઘટના સામે આવી છે. પહાડસિંહ રાજના ખેતરમાં કામ કરતા 55 વર્ષીય અજીત છગનભાઈ રાઠોડ પર મગરે હુમલો કર્યો છે. અજીત રાઠોડ ઢાઢર નદીમાંથી પાણીની પાઈપ કાઢી રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ દરમિયાન એકાએક મગરે તેમના પર હુમલો કર્યો.પોતાનો જીવ બચાવવા માટે અજીતે પાણીનો પંપ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. તેમની બૂમાબૂમ સાંભળીને આસપાસના ખેતરોમાંથી ખેડૂતો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. લોકોની બૂમાબૂમથી મગર ત્યાંથી નાસી ગયો હતો.
હુમલામાં અજીત રાઠોડને પગ અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. તેમને તાત્કાલિક જંબુસરની અલમહમુદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે તેમને વડોદરા ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઢાઢર નદી મગરોના સામ્રાજ્ય તરીકે જાણીતી છે.

