સાપુતારા: સાપુતારા ડાંગમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી શીત લહેર વ્યાપી ગઇ હતી. વાતાવરણનાં પલટા બાદ પ્રવાસન સ્થળ સાપુતારાના જોવાલાયક સ્થળોનું વાતાવરણ ઠંડુગાર બનતા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઋતુચક્રનો મિજાજ બદલાયો છે.હવામાન વિભાગની આગાહીનાં પગલે ડાંગના ગામોમાં છેલ્લા બે દિવસથી ક્યાંક ઝરમરીયો તો ક્યાંક છાંટણા સ્વરૂપનો કમોસમી વરસાદ પડયો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર ગિરિમથક સાપુતારા, આહવા, બોરખલ,ગલકુંડ, સુબીર, વઘઇ, ભેંસકાતરી, સાકરપાતળ, પીપલાઈદેવી, ચિંચલી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ સાથે સાથે સમયાંતરે ક્યાંક ઝરમરીયો તો ક્યાંક છાટણા સ્વરૂપનો વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદનાં છાટણા પડતા ખેડૂતોનાં શાકભાજી, કઠોળ સહિત ફળફળાદી પાકોને નુકસાનની ભીતિ વર્તાઈહતી. ગિરિમથક સાપુતારામાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે સમયાંતરે કમોસમી વરસાદના છાટણા પડતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ડાંગી જનજીવને ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી.