વલસાડ: વેસ્ટર્ન રેલવે વિભાગે યાત્રીઓની સુવિધા માટે એક નવી પહેલ કરી છે. વિભાગે ‘બુક માય કુલી’ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ સેવા હાલમાં વલસાડ, વાપી અને વસઈ રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ છે. યાત્રીઓ હવે 40 કિલો સુધીના સામાન માટે માત્ર 75 રૂપિયામાં કુલીની સેવા મેળવી શકશે. આ ઉપરાંત 10 ટકા સર્વિસ ચાર્જ અને 18 ટકા GST લાગુ પડશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર એપ દ્વારા યાત્રીઓને કુલીનો નંબર મળશે. કુલીને યાત્રીનો નંબર, બેગની સંખ્યા, વજન અને કોચની માહિતી મળશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યાત્રીઓ અને કુલી વચ્ચે થતી ભાવ તાલની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. પહેલા આ પ્રક્રિયામાં 15 મિનિટથી વધુ સમય વેડફાતો હતો. વૃદ્ધ યાત્રીઓ માટે વ્હીલચેરની સુવિધા પણ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
એપ દ્વારા યાત્રીઓને અનેક ફાયદા થશે. તેમાં સોદાબાજીમાંથી મુક્તિ, પ્રશિક્ષિત પોર્ટર્સની ઉપલબ્ધતા, અગાઉથી બુકિંગની સુવિધા અને 24×7 સેવાનો સમાવેશ થાય છે. સામાનની સલામતી માટે અધિકૃત પોર્ટર્સની સેવા આપવામાં આવશે. રેલવે વિભાગે નક્કી કરેલા દરો એપમાં દર્શાવવામાં આવ્યા છે, જેથી યાત્રીઓની છેતરપિંડી કે કુલીઓનું શોષણ અટકાવી શકાય.

