નવસારી: ખારેલ ગોધરાના વાલી ફળિયામાં રહેતા શોકત અબ્દુલરહીમ મલા પોતાના કબ્જાની ટ્રક લઈને ગોધરાથી વાપી આવ્યા હતા. વાપીથી પુના ટ્રાન્સપોર્ટમાંથી સામાન ભરી તેમના કલીનર ગીરવત દલસુખભાઈ ચૌહાણ સાથે ટ્રકમાં વાપીથી હાલોલ જવા સાંજે 5 કલાકે નીકળ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર એંધલ હાઇવેના દુવાડા પાટિયા પાસે રાત્રે 7 કલાકે ટ્રક સાઈડમાં પાર્ક કરી અમદાવાદથી મુંબઈ તરફ જતી લાઈનમાં આવેલા રોયલ દરબાર હોટલમાં જમવા માટે ગયા હતા. જ્યાંથી જમીને બીલ ચૂકવી હાઇવે ક્રોસ કરવા ઉભા હતા ત્યારે કલીનર ગીરવત મુંબઇથી અમદાવાદ લાઈન ક્રોસ કરવા જતો હતો. તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતી સફેદ કલરની કારના ચાલકે ઝડપે લાવી ગીરવતભાઈને અડફેટે લેતા તેઓ હાઇવે પર પટકાયા હતા.
જેને પગલે તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કાર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો. આ અકસ્માત 30 માર્ચના રોજ થયો હતો ત્યારબાદ પોલીસે કારના નંબર ઉપરથી રાજકુમાર ગણેશભાઈ પટેલની ધરપકડ કરી હતી. રાજકુમાર તેમના ફોઈના છોકરાની ટ્રાવેલ્સની કાર ચલાવતો હતો અને બનાવને દિવસે ચીખલી વર્દી લઈને આવ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.

