ભરૂચ: ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કર્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. ઝાડેશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના PI બી.એલ. મહેરિયા અને ડેનિશ ક્રિચિયન સહિતના કર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું.
જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ મથકની ટીમ ચાર રસ્તા પર ચેકિંગ કરી રહી છે. મહિલાઓ સહિત તમામ ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા એક અઠવાડિયા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કડક ચેકીંગ કરવામાં આવશે.

