પારડી: વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ઉનાળાની તીવ્ર ગરમીને કારણે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. આ કારણે રોટેશન દ્વારા પાણી આપવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિમાંશુભાઈ પટેલના જણાવ્યાં મુજબ, 24 કલાકમાં પારડી નગરના ડેમમાં રોટેશન દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશેવલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સિંચાઈ વિભાગને તાત્કાલિક પાણી છોડવાની સૂચના આપી છે.
સિંચાઈ વિભાગે નહેરની રિપેરિંગ કામગીરી પૂર્ણ કર્યા બાદ પારડી નગરપાલિકાના ડેમમાં રોટેશન દ્વારા પાણી પહોંચાડવાની ખાતરી આપી છે. આ પરિસ્થિતિને કારણે આગામી 7 દિવસ સુધી શહેરના રહીશોને મર્યાદિત પાણી પુરવઠો મળશે. સિંચાઈ વિભાગે વહેલી તકે પરિસ્થિતિ સુધારવાની ખાતરી આપી છે.

