ભરૂચ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ સારી સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જે.ટી.નું રાજ્યકક્ષાનામંત્રીશ્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત દેશની ઘણી નદીઓ છે જેમાં પાવન સાલીલા તરીકે ઓળખાતી માં નર્મદાની પરિક્રમા થાય છે, ત્યારે હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે પરિક્રમા વાસીઓનો છેલ્લો પડાવ કરી હોડીમાં બેસી સામે પાર મીઠી તલાઈ જાય છે. પાવન સલીલામા નર્મદાની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરી ટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે જે.ટી.નું નિર્માણ કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રૂ.21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્યકક્ષાના પમંત્રીશ્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મધ્ય પ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાંસોટ તાલુકાના વમલેશ્વરમાં આ જે.ટી.નું નિર્માણ કરવામાં આવ્યું છે.દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યાની સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી. આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે.
દર વર્ષે 2થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે. અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે.આજરોજ યોજાયેલ લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદસ્વામી,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા,ગુજરાત મેરિટાઇમ બોર્ડના મુખ્ય ઈજનેર બી.બી.તલાવીયા, આર.એસ.એસ.ના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ,રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

