ગાંધીનગર: અગાઉ 2.60 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દહેગામ મુકાયો હતો. ત્યારે અહીં પણ ખોવાયેલા કાગળો પરત અપાવવા માટે 18 હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે તેને અને તેના વચેટીયાને કોર્ટમાં રજુ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર એસીબી દ્વારા કલોલ મામલતદાર કચેરી ખાતે ટ્રેપ ગોઠવીને 2.60 લાખ રૂપિયાની લાંચ લેતા મામલતદાર મયંક પટેલ અને નાયબ મામલતદાર પ્રવીણ મૂળજીભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા. Decision News ને મળેલી માહિતી મુજબ આ ગુનામાં ઝડપાયા બાદ પ્રવીણ પરમારને સસ્પેન્ડ કરીને દહેગામ મામલતદાર કચેરી ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યારે અહીં પણ લાંચની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી.
એક અરજદાર દ્વારા જમીનની વેચાણ નોંધ રદ કરાવવા માટે પ્રાંત કચેરીમાં કરવામાં આવેલી અરજીના કાગળો ખોવાઈ જતા આ પ્રવીણ પરમાર દ્વારા કાગળ શોધી આપવા માટે 18 હજારની લાંચ માંગવામાં આવી હતી ત્યારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તેનો વચોટિયો નિતેશ જેઠાલાલ રાજન 18 હજાર રૃપિયા સ્વીકારીને પ્રવીણ પરમારને આપવા જતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી આ બંનેની ધરપકડ કરીને એસીબી દ્વારા ગુનો દાખલ કરી આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

