નવસારી: નવસારી જિલ્લાના ચીખલી ખાતે દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વારી સોલર કંપની દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ ભારતની સૌર ઊર્જા ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. 1989માં સ્થાપિત વારી કંપની 35 વર્ષથી વધુ સમયથી સૌર ઉદ્યોગમાં કાર્યરત છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ કંપની હાલમાં ભારતમાં 388થી વધુ સ્થળો અને આંતરરાષ્ટ્રીય સ્તરે 20 દેશોમાં પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. વારી સોલર ગુજરાતમાં 12 GW અને નોઈડામાં 1.3 GW મળી કુલ 13.3 GW સૌર મોડયુલ ક્ષમતા ધરાવે છે. કંપની અમેરિકાના ટેક્સાસમાં 1.6 GW ક્ષમતા ધરાવે છે, જેને વધારીને 3.2 GW કરવામાં આવી રહી છે. કંપનીએ PLI યોજના હેઠળ ચિપ, કોષો અને મોડ્યુલ્સ માટે વધારાની 6 GW સુવિધા માટેની મંજૂરી મેળવી છે. વારી એકમાત્ર ભારતીય સૌર કંપની છે જેને ઇકોવાડિસ રેટિંગ મળ્યું છે અને બ્લૂમબર્ગ એનઇએફ દ્વારા સતત 33 ક્વાર્ટર માટે ટાયર 1 સોલર મોડયુલ ઉત્પાદક તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
વારી ગ્રુપના ચેરમેન અને એમડી ડૉ. હિતેશ ચીમનલાલ દોશી 38 વર્ષથી વધુનો ઔદ્યોગિક અનુભવ ધરાવે છે. તેમણે 1985માં સ્નાતક થયા બાદ હાર્ડવેર પ્રોસેસ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી. 1989માં તેમણે વારી ગ્રુપની સ્થાપના કરી. આ કંપનીનો મુખ્ય હેતુ ભારતમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો હતો. આજે વારી એનર્જી ચીન બહારની વિશ્વની સૌથી મોટી સૌર ઉત્પાદન કંપની છે. કંપનીએ નોઈડા, સુરત, ચીખલી, તુમ્બ અને નંદીગ્રામમાં અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપ્યા છે. વારી ગ્રુપમાં ત્રણ લિસ્ટેડ કંપનીઓ છે વારી એનર્જીઝ લિમિટેડ (સોલાર પીવી મેન્યુફેક્ચરિંગ), વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ લિમિટેડ (સોલાર ઇપીસી બિઝનેસ), અને વારી ટેક્નોલોજીસ લિમિટેડ (એનર્જી સ્ટોરેજ). તેમનું માનવું છે કે સૌર ઊર્જા ટેકનોલોજી વિશ્વભરના લોકો માટે સસ્તી અને સુલભ હોવી જોઈએ.

