ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ લીફ્ટ ઇરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટમાં કમાન્ડ એરિયામાં આવતા નાંદોદ, નેત્રંગ, વાલિયા તથા ઝઘડીયા તાલુકાના ગામોને સિંચાઈનું પાણી આપવા અને ખાડી કોતરોમાં પાણી છોડવા બાબતે ગુજરાત સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના માન.મંત્રીશ કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખવામાં આવ્યો છે.
મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે કરજણ સિંચાઇ પાઇપલાઇન પ્રોજેકટનું પાણી નાંદોદ, નેત્રંગ, ઝઘડીયા તથા વાલીયા તાલુકા સુધીના ગામોના ખેડુતોને મળી રહે તેવા હેતુસર આ પ્રોજેકટ મંજુર થયો હતો પરંતુ સમયની સાથે આ પ્રોજેકટમાં કોઇક ને કોઇક કારણોસર બદલાવ આવતો ગયો અને ઘટીને માત્ર ખાડી કોતરોમાં પાણી નાંખવામાં આવે છે અને તે પણ અમુક થોડા ઘણાં એરીયામાં ખાડી કોતરોમાં પાણી નાંખવામાં આવે છે.
ઘણા બધા વિસ્તારમાં ખાડી – કોતરોમાં પણ પાણી પહોંચતુ નથી.હાલ ઉનાળામાં પીવાના પાણીના તથા સિંચાઇના બોર સુકાઇ ગયેલ હાલતમાં છે. આ ચારેય તાલુકાના કમાન્ડ એરીયામાં ખાડી-કોતર તથા ચેકડેમોમાં પાણી નાંખવામાં આવશે તો સિંચાઇ બોર તથા પીવાના પાણીના બોર પુનઃ જીવંત થશે. જેથી પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.

