ચીખલી: ચીખલી તાલુકાના ઊંઢવળ ગામમાં પ્રાથમિક શાળાની જમીનના વિવાદનું નિરાકરણ આવતા નવા ઓરડાનું બાંધકામ શરૂ થવાની સ્થાનિકોમાં આશા બંધાઇ છે.જર્જરિત ઓરડા બે માસ પૂર્વે તોડી પડાયા બાદ જમીનના વિવાદના કારણે બાળકોને ખાનગી મકાનના ઓટલા ઉપર બેસડવામાં આવી રહ્યા છે. ઊંઢવળ પ્રાથમિક શાળાના બે જર્જરિત ઓરડાઓ તોડી પડાયા બાદ નવા ઓરડાની મંજૂરી પણ મળી ગઈ હતી. પરંતુ જમીનના દાતા પરિવારના માલિકો દ્વારા જમીન શાળાના નામે કર્યા બાદ કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરતા બાંધકામ શરૂ થઈ શક્યું ન હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ શાળાના 17 બાળકોને ખાનગી ઓટલા ઉપર શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. બીજી તરફ જમીનના વિવાદનો અંત આવે અને કામ ઝડપથી શરૂ થાય તેવી માંગ ઉઠી હતી. જેને પગલે તંત્ર દ્વારા જમીન માલિકો સાથે વાટાઘાટ કરતા હાલ જમીન માલિકોએ સમંતિ આપવામાં આવતા ટૂંકા ગાળામાં જ બાંધકામ શરૂ થવાની સ્થાનિકોમાં આશા બંધાઇ છે. જોકે તંત્ર દ્વારા જમીનના ટાઇટલ ક્લિયર કરવાની દિશામાં કામગીરી કરવામાં આવે તો આવા પ્રશ્નો ન ઉદ્દભવે પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં કામગીરી જ કરાતી નથી, તેવામાં બાળકોએ ખાનગી મકનના ઓટલા ઉપર બેસી શિક્ષણ લેવું પડતું હોય છે.

જમીનનો પ્રશ્ન સર્જાતા કામ થઇ શક્યું નથી ઊઢવળ પ્રાથમિક શાળામાં જમીનના પ્રશ્ન સર્જાતા કામ શરૂ થઈ શક્યું નથી. એજન્સી દ્વારા કામ શરૂ કરવા સ્ટીલ સહિતની જરૂરી મટિરિયલ પણ સ્થળ ઉપર નાંખ્યું હતું પરંતુ કામ શરૂ ન કરવામાં આવતા ફરીથી મટિરિયલ ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યું છે. ઊંઢવળ પ્રાથમિક શાળાના બે જેટલા બે માસ પૂર્વે તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ જમીનના મૂળ માલિકો સાથે પ્રશ્નો ઉદ્ભવતા કામ શરૂ થઈ શક્યું ન હતું.