ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક નજીક બે બાઇક સામસામે ભટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. નિરવભાઈ દિનેશભાઈ સુરકાર અને તેનો મિત્ર ભાવેશભાઈ રાજુભાઈ પવાર વઘઇ આઈટીઆઈમાં પરીક્ષા આપી બાઇક (નં. જીજે-21-જે-2987) પર સવાર થઈ પરત ચીકાર ગામ તરફ જઈ રહ્યાં હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ તે સમયે વઘઇથી ઝાવડાને જોડતા માર્ગનાં ડુંગરડા રેલવે ફાટક આગળ કોસીમનાં વળાંકમાં સામેથી પલ્સર ગાડી (નં. જીજે-30-એફ-2241)ના અજાણ્યા ચાલકે પોતાની બાઇક પર ત્રણ સવારી બેસાડી રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે રોંગ સાઈડે હંકારી લાવી સામેથી નિરવભાઈ અને ભાવેશભાઇની બાઇક સાથે ભટકાવતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળે બાઈક પર પાછળ બેસેલ ભાવેશભાઈ રાજુભાઈ પવાર (ઉ.વ. 20, રહે. ચીકાર, તા.વઘઇ)ને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં પલ્સર બાઈક પર પાછળ બેસેલ બે યુવાનોને પણ ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવારના અર્થે નજીકની વઘઇ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે નિરવ દિનેશભાઈ સુરકરે પલ્સર બાઈક ચાલક વિરુદ્ધ વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વઘઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

