નવસારી: નવસારી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસે-દિવસે વધી રહ્યો છે. શિયાળામાં સામાન્ય રીતે મચ્છરોનો ત્રાસ વધે છે. પરંતુ ઉનાળો શરૂ થવા છતાં આ સમસ્યા યથાવત છે. શહેરના તમામ વિસ્તારોમાં મચ્છરોની સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે. ખુલ્લી ખાડીઓ, નદી-નાળા અને બંદર રોડ પરની ડમ્પિંગ સાઈટ મચ્છરોના ઉપદ્રવનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરનું કદ વધ્યું છે. આથી સ્વચ્છતા જાળવવી વધુ જરૂરી બની છે. પાલિકા સમયાંતરે ફોગિંગ અને દવાનો છંટકાવ કરે છે. પરંતુ તેની અસરકારકતા ઓછી જોવા મળે છે.મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ, રોગચાળા નિયંત્રણ માટે કામગીરી ચાલુ છે.

હવે એક અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસી પિયુષ ઢીમરના મતે, ખુલ્લી ગટર અને વરસાદી ગટરમાં ડ્રેનેજના સીધા જોડાણને કારણે સમસ્યા વધી છે. જો આ સમસ્યા હલ ન થાય તો મલેરિયા જેવા રોગચાળાનો ભય છે.પડોશી સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર છે. નવસારી પાલિકા પણ તેમાંથી પ્રેરણા લઈને અસરકારક પગલાં લે તેવી લોકોની અપેક્ષા છે.