ગુજરાત: હરિયાણા સિરસા જિલ્લામાં (26માર્ચ) ભારતમાલા રોડ પર એક મોટો અકસ્માત થયો હતો. જેમાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી (ગજ 18 JB 7819) એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીનાં મોત થયા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોકસો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવીન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અકસ્માતના સમાચાર મળતાં જ ACP આઈ ડિવિઝન એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.

કોન્સ્ટેબલની સોમવારે ટ્રાફીકમાં બદલી થઈ ને બુધવારે સવારે મોત મળ્યું

પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત 8 વર્ષથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસ અગાઉ તેમની રામોલથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે તેમની ડિવિઝન રામોલની ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. પરંતુ છુટા કરવામાં આવ્યા ન હતા. જો કે આજે (26 માર્ચ, 2025) વહેલી સવારે અકસ્માતમાં તેમનું મોત થયું છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ 2017માં રામોલ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યું હતું, તે અમરાઈવાડી પોલીસ લાઈનમાં તેમના બહેન સાથે રહેતા હતા. તેમના બહેન પણ સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતાં હતાં. જ્યારે માતા પિતા તેમના વતન તાપી ખાતે રહે છે. સુનિલ ગામિત અપરણિત છે.

આ અકસ્માતમાં ઘનશ્યામ ભરવાડ નામના ખાનગી ડ્રાઈવરનું પણ મોત થયું છે. ઘનશ્યામ ભરવાડ સીટીએમ ભરવાડવાસ ખાતે તેમની પત્ની, નાના બાળકો અને તેમના માતા પિતા સાથે રહે છે.તેમને પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે બહારગામ ગાડી ચલાવવા લઈ જવામાં આવતા હતા.અકસ્માતમાં હોમગાર્ડ જવાના રવિન્દ્ર ક્ષત્રિયનું પણ મોત થયું છે. તેઓ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, બાળકો અને માતા છે. તેઓ સિંગરવા ગામના સોમનાથ પાર્કમાં રહે છે. તેમના પાડોશીના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમના પરિવારને અન્ય સ્વજનોના ઘરે લઈ જવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત PSI જયેન્દ્રસિંહ સોલંકીના વિશે પણ માહિતી મળી.
હરિયાણામાં રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત PSI જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોલંકીના ઘરે થી માહિતી મળી કે. નવા નરોડા સ્થિત વ્હાઈટ અલીગન્સ ફલેટના e- 502માં તેમના પિતરાઈ ભાઈ જીતેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે એમને રામોલ પોલીસ સ્ટેશન ખાતેથી અકસ્માતની માહિતી મળી હતી. વહેલી સવારે અમે PI સાહેબનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમને અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે અને ગુજરાત પોલીસની ટીમ હરિયાણા જવા રવાના થઈ છે.પરિવારજનોને હરિયાણા જવા માટે મનાઈ કરવામાં આવી છે. ડીસીપી સાહેબ પી.એલ. સાહેબ સહિતના લોકો હરિયાણા જવા રવાના થયા છે. હાલમાં તેમની સ્થિતિ અંગે ફકત રામોલ પોલીસ સ્ટેશન દ્વારા જ એમને માહિતી મળી રહી છે. મારા ભાઈ સાથે હજુ સુધી કોઈ પ્રકારની વાતચીત થઈ નથી. એમને જણાવવામાં આવ્યું છે કે તેમને હાથ પગના ભાગે ફેક્ચર થયું છે અને મોંઢા પર થોડી ઈજાઓ પહોંચી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટના બુધવારે સવારે 5:30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાળી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડમાં એક અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

ઘટનાસ્થળથી એક પંજાબી નંબરપ્લેટ મળી: સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મપ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસ અજાણ્યાં વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ડબવાલી સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળેથી અકસ્માત વાસ્તવિક કારણ વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે. ગુજરાત પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
ડબવાળી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તમામ ઘાયલોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ દરમિયાન ડોક્ટરોએ ત્રણ પોલીસકર્મીઓને મૃત જાહેર કર્યા પછી, ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા છે. એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોકસોના કેસની તપાસ માટે જતાં હતાં: અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાના અને પોલીસ કોન્સ્ટેબલ PSI સોલંકી સાથે પોકસો કેસની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા. આ તપાસ માટે તેઓ સરકારી ગાડી લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો.

ગુજરાત પોલીસ હરિયાણા પોલીસના સંપર્કમાં: આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે. જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવને કારણે પોલીસબેડામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.

3ના મોત અને PSI ઈજાગ્રસ્ત: રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મોરીએ જણાવ્યું કે અમારા પોલીસ કર્મચારીઓ સાથે આ ઘટના બની છે અને હરિયાણા નજીક આ બનાવ બનતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત PSI ની સારવાર ચાલી રહી છે.