કપરાડા: કપરાડા તાલુકાના નિલોશી ગામની મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક ડેરીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સેન્ટીંગનું કામ કરી રહેલા મજૂર રાજેશભાઈ રમેશભાઈ પટેલ નિબંધિત માળખા પરથી નીચે પડી ગયા હતા. અકસ્માતમાં રાજેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આસપાસના મજૂરો અને સ્થાનિકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘાયલ મજૂરને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કપરાડા CHC હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી તેમને નાનાપોંઢા ચિરંજીવી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધારો ન થતાં રાજેશભાઈને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તબીબોએ તેમનું માથાના ભાગે તાત્કાલિક ઓપરેશન કર્યું છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે. લેબર કોન્ટ્રાક્ટર ચેતન ભીખુભાઈ પ્રજાપતિને ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કપરાડા પોલીસ મથકે ઘટનાની જાણ કરી છે. પોલીસે આ મામલે નોંધ લઈને તપાસ શરૂ કરી છે.

