ડાંગ: ગુજરાત રાજ્યનો લગભગ સર્વત્ર વરસાદ ડાંગ જિલ્લામાં થતો હોવા છતા વિષમ ભૌગલિક પરિસ્થિતી હોવાથી અહિ ઉનાળાની શરૂઆત થવાની સાથે સાથે પાણીની સમસ્યા પણ વિકરાળ થતી જોવા મળે છે. પાણીની સમસ્યા ફકત લોકો માટે જ નહી પરંતુ મુંગા પશુ પક્ષીઓ, દુધાળા જાનવરો તેમજ વન્ય જીવો માટે પણ અભિશાપ જેવી છે.
હાલ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને જિલ્લાના ઘણા ગામોમાં પાણીની અછત વર્તાવવાની શરૂઆત થઈ ગઈ છે, આવા ગામોમાં મોટા ભાગે માતા-બહેનોને પાણી માટે 2-3 કિલોમીટર દૂર જંગલોમાં, ડુંગરો ઉપર કે કોતરો સુધી જવા પડે છે. સરકારશ્રી દ્વારા ઘણા મોટા ઉપાડે “હર ઘર નલ” અને “નલ સે જલ” ની જે જાહેરાત કરી હતી.તે ખરેખર ઠગારી અને નિષ્ફળ ગઈ છે જે સ્પષ્ટ પણે જોઈ શકાય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ પાણીની સમસ્યાના સમાધાનના ભાગરૂપે મોટાભાગે પ્રશાસન તરફથી કે સબંધિત ખાતાઓ તરફથી પાણીના ટેન્કરો ચલાવી પાણી વિતરણ કરવામાં આવે છે જેમાં પાછલા વર્ષોમાં ઘણી ફરીયાદો આવી છે કારણ કે આ ટેન્કરો ઘણી મોડી ચાલુ કરવામાં આવે છે અને મોટાભાગે અધિકારીઓ કે રાજકીય નેતાઓના ઈશારે વિતરણ થાય છે, ઉપરાંત ઘણી વખત આવુ પાણી પિવા લાયક તો દુરની વાત વાપરવા લાયક પણ હોતું નથી. આ સિવાઈ તળાવ, જળાશય, ડેમ કે ચેક ડેમ ઉડા તથા રીપેર કરવા પણ ઘણી યોજનાઓ સ્કિમો આવે છે.
પરંતુ કમ નસીબે આ કામો ચોમાસું શરૂ થવાના અઠવાડિયા પહેલા ચાલું કરી અધિકારીઓ અને ઈજારદારો દ્વારા મોટા પાયે ગેરરીતી કરવામાં આવે છે. બોર કે કુવાના કામો પણ ખોટી રીતે પોતાના માનિતાઓને ત્યાંજ કરવામાં આવે છે અને પાઈપલાઈન કે મીની પાઈપલાઈન જેવી યોજનોઓમાં ગુણવત્તા જળવાતી નથી. જે બદલ ગંભીરતા દાખવી વિષેશ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.વધુમાં ડાંગના મુખ્ય મથક આહવાની વાત કરીએ તો અહિ તમામ ફળિયા, ગલી મોહલ્લામાં હાલ ૩-૪ દિવસના આંતરે પાણી આવે છે, જે આગમી એપ્રિલ – મે માસ દરમિયાન ૭ થી ૧૦ દિવસના આંતરે થઈ જવા પામે છે. અને આવી પરિસ્થિતીમાં લોકો વેચાતું પાણી લેવા મજબુર બને છે.
આગામી દિવસોમાં પાણીની આવી વિકટ અને વિકરાળ સમસ્યા ન ઉદ્ભવે તે માટે એક સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે અને જિલ્લાના તમામ ગામોને આવરી લેવાય તેવી સુવ્યવસ્થિત પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવે જે ખુબ જ આવશ્યક છે.

