માંડવી: માંડવી તાલુકાના પૂના ગામની સીમમાં કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. વીરસિંગભાઈ વસાવાનો દીકરો સુમિત વસાવા અને તેની મંગેતર દીપિકા વસાવા મોપેડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી વેગનઆર કારે તેમને અડફેટે લીધા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ધડાકાભેર થયેલી ટક્કરમાં બંને યુવક-યુવતી રોડ પર પટકાયા હતા. સુમિતને જમણા હાથ, પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે દીપિકાને માથા અને ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોના પરિવારને જાણ કરી હતી.
લગ્ન પહેલાં જ બંને મંગેતરોના મોતના સમાચાર સાંભળી પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.મૃતક સુમિતના પિતાની ફરિયાદના આધારે માંડવી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર કેસની તપાસ માંડવી પોલીસ મથકના PSI એ.ટી. રાઠવા કરી રહ્યા છે.

