ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઝઘડિયા આરએફઓ આર.એસ.રેહવરે ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ નર્સરીની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે સ્થાનિક ફોરેસ્ટર હેમંતભાઇ કુલકર્ણી,વન રક્ષક કોમલબેન વસાવા સહિત સામાજિક વનીકરણ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળતી માહિતી મુજબ ઝઘડિયા રેન્જ અધિકારી આર.એસ.રેહવરે સામાજિક વનીકરણ વિભાગની ટીમને જરૂરી માર્ગદર્શન આપી વનીકરણના માધ્યમથી ખેડૂતલક્ષી અને પર્યાવરણલક્ષી કામગીરી વિસ્તૃત બનાવવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે સામાજિક વનીકરણ વિભાગની ટીમો દ્વારા ખેડૂતોને તંદુરસ્ત રોપા આપીને વૃક્ષ ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ખેડૂતોને જમીનના કટિયા પર ફળાઉ ઝાડના રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે,જેના ઉછેરથી ખેડૂતો વૃક્ષ ખેતીના માધ્યમથી વધારાની આવક મેળવી શકે છે. સારસા અને સંજાલી ગામના ખેડૂતો દ્વારા નીલગિરી ઉછેર બાબતે પણ સારું યોગદાન આપવામાં આવ્યું હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું. વળી સામાજીક વનીકરણ દ્વારા ઉછેરવામાં આવતા નિલગિરીના વૃક્ષો દ્વારા ગ્રામ પંચાયતને પણ આર્થિક લાભ મળતો હોય છે.અત્રે નોંધનીય છેકે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મોટું યોગદાન હોય છે તેથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાતા હોય છે.

