ચીખલી: ચીખલીની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં મોટી રકમની નાંણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. મંગળવારે મધરાતે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાં 20 લાખની વધુની રકમની ગેરરીતિ થઈ હોવાની જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો એક કર્મચારી છેલ્લા ઘણાં દિવસ થી ફરાર છે. આ રકમ સ્ટોક માર્કેટમાં રોકાણ કે કોઈ લોભામણી સ્કીમમાં વાપરવામાં આવી હોવાની શંકા છે.મહેસાણાના સિવિલ સર્જન સહિતની ટીમે હોસ્પિટલના અધિક્ષક ડૉ. દક્ષાબેન પટેલની હાજરીમાં તપાસ કરી હતી.
તપાસ દરમિયાન સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે કઈ ગ્રાન્ટ માંથી કેટલી રકમની ગેરરીતિ થઈ છે. સાથે જ અધિક્ષક આ બાબતથી વાકેફ હતા કે નહીં તે પણ તપાસનો વિષય છે. આરોગ્ય વિભાગની ટીમ તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

