પ્રતિકાત્મક ફોટોગ્રાફ

નવસારી: ગુજરાત એસ.ટી. બસનો ચાલક રેલ્વે ફાટક ઓળંગવા જતા ટ્રેન અડફેટે મોતને ભેટ્યો હતો. ચાલક ભીલોડા ગામનો હોવાની માહિતી એસટી વિભાગે આપી હતી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સામેરા ગામે રહેતા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં બસ ચાલક તરીકે ફરજ બજાવતો જીતેન્દ્રકુમાર કાનાભાઈ રાઠોડ (ઉ.વ. 39) સોમવાર સાંજે દાહોદથી બસ લઈ બીલીમોરા આવ્યો હતો.

રાત્રિ રોકાણ કરીને મંગળવારના રોજ સવારે બીલીમોરા મોડાસા બસ લઈને તે જવાનો હતો. બીલીમોરા રાત્રે જમવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગયો હતો.જે બાદ તે 9 વાગ્યાના અરસામાં ડેપોમાં પરત ફરતો હતો. Decision News ને મળેલી માહિતી મુજબ મુખ્ય ફાટકને ઓળંગી ડેપો તરફ આવી રહ્યો હતો. તે વેળા મુંબઈ તરફ ધસમસતી કોઈક પેસેન્જર ટ્રેનની અડફેટે જીતેન્દ્ર ચઢતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં બીલીમોરા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમને મૃતકના ખિસ્સામાંથી એસટીનું ઓળખ કાર્ડ અને મોબાઈલ મળી આવ્યો હતો. રેલવે પોલીસે એસટી ડેપોમાં તપાસ કરતા મૃતકની ઓળખ થઈ હતી. મૃતક અપરિણીત હતો. પરિવારમાં વૃદ્ધ માતા એ જીવન આધાર ગુમાવ્યો હતો. સમગ્ર મામલે રેલવે આઉટ પોસ્ટ ચોકીનાં હેડ કોન્સ્ટેબલ ભાવસિંહે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.