સુરત: લોકપ્રશ્નો બાબતે કમિશનરને રજૂઆત કરવા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરનાર ‘આપ’ના કોર્પોરેટરોએ મંગળવારે પાલિકાને માથે લીધી હતી. સાંજે ‘ભાજપ અધિકારી ભાઈ ભાઈ, સાથે બેસી ખાય મલાઈ’ના પ્લે-કાર્ડ અને નારા સાથે લોબીમાં ફર્યા હતા. કમિશનરને રજૂઆત કરવા જતાં વિપક્ષી સભ્યોને પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, જેમાં ઝપાઝપી થઈ હતી ત્યારે એક પોલીસ કર્મચારી નશામાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. મહિલા કોર્પોરેટરો સાથે પોલીસે ગેરવ્યાજબી વર્તન કર્યાનો પણ આક્ષેપ કરાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ભાજપના ઈશારે પોલીસે ઘર્ષણભર્યું વલણ અપનાવ્યું હતું. આપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે પોલીસે તદ્દન અણછાજતું વર્તન કર્યું હતું. શાંતિપૂર્ણ રીતે પાલિકા કમિશનરને મળીને રજૂઆત કરવા જતા અગાઉથી જ પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ ખડકી દેવાયા હોવાતી અટકાવી દેવાયા હતા, જેથી વિપક્ષ નેતા પાયલ સાંકરિયા, પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરો-કાર્યકરોએ ત્યાં જ નારા શરૂ કર્યા હતા, જેથી પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં આપના કોર્પોરેટરોના શર્ટ પણ ફાટી ગયા હતા તેમજ મહિલાઓને પણ માર લાગ્યો હતો. આખરે પોલીસે અટકાયતી પગલાં ભર્યાં હતાં.
જે માહિતી મળે છે તેમાં ગોળ ગોળ જવાબ હોય છે વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું કે, લોકપ્રશ્નો બાબતે ઘણાં સમયથી પાલિકા કમિશનર અને અધિકારીઓને રજૂઆતો કરી માહિતી માંગી હતી, પરંતુ એક પણ માહિતી મળી ન હતી. અમુક માહિતીમાં ગોળ ગોળ જવાબ અપાયો છે. શહેર હિતમાં આ કૃત્ય બિલકુલ ચલાવી શકાય એમ નથી. વિપક્ષ તરીકે અમારે જનતાના હિતમાં માહિતી માંગવાનો અને પ્રશ્નો પૂછવાનો બંધારણીય અધિકાર છે. અમારા અવાજને શાસકોના ઈશારે પોલીસ દબાવી નહીં શકે. સમગ્ર ઘટનામાં પોલીસ અધિકારીઓની ભૂમિકા ખુબ જ શંકાસ્પદ હતી. અમારા કોર્પોરેટરો અને પદાધિકારીઓ જાણે કોઈ રીઢા ગુનેગાર હોય તેમ બેફામ ટીંગાટોળી કરીને ખેંચી-ખેંચીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા.

