ભરૂચ: ભરૂચ 25 માર્ચ (હિ.સ.) ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક યુવાનની તેના મિત્રએ હત્યા કરી હોવાની ઘટના બનવા પામી હતી. પત્ની બાળકો લઈને જતી રહ્યા બાદ યુવક આંબાના ઝાડ નીચે એકલવાયું જીવન ગુજારતો હતો ખેતર માલિક તેને ત્યાં રહેવા દેતો હતો પરંતુ ગતરોજ કોઈ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થતા તેમાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.કાકડકુઇ ગામના 44 વર્ષીય રાજેશ ગોમા વસાવાના લગ્ન બાદ તે બે સંતાનનો પિતા બન્યો હતો. ત્યારબાદ આશરે દશેક વર્ષ પહેલા તેને પત્ની સાથે અણબનાવ થતાં તેની પત્ની બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજેશ છુટક મજુરી કામ કરતો હતો અને તે દારૂ પીવાની કુટેવ વાળો હોય ગામના અશ્વિન ધારાસિંગ વસાવા સાથે દારૂ પીને તેની સાથે ફરતો હતો અને તે અશ્વિનના ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ખાઈ પીઈને પડી રહેતો હતો.તે અરસામાં ગતરોજ તા.24 મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન અશ્વિનએ રાજેશને માથા પર પથ્થર મારતા રાજેશ ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રાજેશના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું તેમજ માથાના ભાગે પણ લોહીલુહાણ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટના બાદ અશ્વિન વસાવા સ્થળ ઉપરથી નાશી ગયો હતો.મૃતક રાજેશની લાશ નેત્રંગ સરકારી દવાખાને પીએમ કરવવા તેના પરિજનોએ પોલીસની સાથે લઈ ગયા હતા. ઘટના સંદર્ભે મૃતકની બહેન સંગીતાબેન વસાવા રહે અરેઠી નેત્રંગનાએ પોલીસ સ્ટેશનમાં રાજેશની હત્યા કરનાર અશ્વિન ધારાસિંગ વસાવા રહે કાકડકુઇ નેત્રંગના વિરુધ્ધ મર્ડરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.મર્ડર કરી ફરાર થઈ જનાર અશ્વિન વસાવાને ઝડપી પાડવા તજવીજ કરી હતી.

