સુરત: સુરત શહેરમાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Decision News ને મળતી માહિતી મુજબ, મૃતક આરોપી પોક્સો એક્ટ અને રેપના ગુનામાં પકડાયો હતો અને વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. સાંજે આરોપીએ બાથરૂમ જવાનું કહ્યું હતું. થોડીવાર બાદ જ્યારે પોલીસ કર્મચારીઓએ તપાસ કરી તો આરોપી બાથરૂમની જાળી સાથે પોતાના શર્ટથી લટકેલો જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ ઘટનાસ્થળે પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, “આજે વરાછા પોલીસ સ્ટેશનમાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં પોક્સો અને કલમ 376 રેપના ગુનામાં પકડાયેલા આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો છે. આરોપી વરાછાનો રહેવાસી હતો અને અમે તેની પૂછપરછ કરી રહ્યા હતા. સરકારી પંચોની હાજરીમાં તેની ધરપકડની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને ત્યાં તેણે પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈ લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના સુરત પોલીસ માટે એક મોટો પડકાર છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસને વધુ સતર્ક રહેવાની જરૂર, પોલીસ કસ્ટડીમાં રહેલા દરેક વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પોલીસની પ્રાથમિક જવાબદારી છે અને આ ઘટનાએ ફરી એકવાર આ બાબત પર ધ્યાન દોર્યું છે. પરંતુ હાલમાં પોલીસ આત્મહત્યાના એંગલથી તપાસ કરી રહી છે.
પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થવું એ એક ગંભીર બાબત છે અને આ ઘટનાએ પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા કર્યા છે. શું લોકઅપમાં આરોપીની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા? શું પોલીસની કોઈ બેદરકારી હતી ? આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ બાદ જ મળી શકશે. હાલમાં પોલીસ આ મામલે તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું.

