વલસાડ: બે વર્ષથી વહીવટદાર શાસન વચ્ચે વલસાડમાં એક તરફ નગરપાલિકા સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહી હતી ત્યારે બીજી બાજૂ પાલિકાને રાજ્ય સરકારે કચરાનું વહન કરવા ફાળવેલા ટેમ્પોની જાળવણી, ડ્રાઇવરો અને સ્ટાફના અભાવે ધૂળ ખાઈ રહ્યા હોવાના દ્રશ્યો બહાર આવ્યા છે॰
ગુજરાત સરકારે ચારેક વર્ષ અગાઉ પાલિકાઓને સ્વચ્છ ભારત અભિયાન માટે ટેમ્પોની ફાળવણી કરી હતી. જેમાં વલસાડ નગરપાલિકાને પણ છોટા હાથી ટેમ્પો આપવામાં આવ્યા હતા. Decision News ને મળેલી માહિતી અનુસાર આ ટેમ્પોમાં પાછળના ભાગે પાર્ટીશનવાળા ખાનાઓ સાથે લોખંડનો બંધ સ્ટ્રકચર ફિટ કરવામાં આવ્યો હતો. જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ ખાનામાં ઠાલવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરંતું આ ટેમ્પો સરકારે તો મોકલ્યાં છતાં 8 થી વધુ ટેમ્પોમાં ડ્રાઈવર અને ક્લીનર તથા સફાઈ કર્મચારીઓના અભાવે તેનો ઉપયોગ કરવામાં પાલિકા તંત્ર નબળું સાબિત થયું છે. આ વાહનો છેલ્લા ચાર વર્ષથી વલસાડના તિથલ રોડ ઉપર રીના પાર્કની બાજૂની ખુલ્લી જગ્યામાં ટ્રેકટરોના ભંગાર વચ્ચે પાર્ક કર્યા હતા તે ધૂળ ખાઇ રહ્યા છે.

