વલસાડ: વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના મોહમાં જોખમી સ્ટંટ કર્યો છે. યુવકે હાઇવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં કારના ખુલ્લા દરવાજે ઊભા રહીને સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નકલી પિસ્તોલ અને હથિયારો સાથે પણ રીલ્સ બનાવી આ યુવક અગાઉ પણ પાર નદીના કિનારે વિવિધ રીલ્સ બનાવી ચૂક્યો છે. તેણે ફિલ્મી ડાયલોગ્સ સાથે રમકડાંની પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે પણ વીડિયો બનાવ્યા હતા. આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. અગાઉ પોલીસે આ યુવક સામે પ્લાસ્ટિકની પિસ્તોલ સાથે રીલ બનાવવા બદલ કાર્યવાહી કરી હતી અને તેને લોકોમાં ભય ઉભો કરે તેવી રીલ્સ ન બનાવવા માટે સમજાવ્યો હતો. ફેમસ થવાની ઘેલછામાં જોખમી સ્ટંટ.
પારડી પોલીસ સ્ટેશનના PI જી.આર. ગઢવીના જણાવ્યા અનુસાર, યુવકે ફરી એકવાર હોટલના પાર્કિંગમાં જોખમી સ્ટંટ કર્યું અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે. PI ગઢવીએ જણાવ્યું કે આજના યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં જોખમી કૃત્યો કરી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. પોલીસે લોકોને આવા જોખમી સ્ટંટથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે.

